જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ભીષણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પૂંછ સેક્ટરમાં કેરી અને દિગવાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આજે સવારે ફરી યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો. પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત કેરન સેક્ટરમાં પણ આતંકીઓએ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી જેને ભારતીય સેનાના જાબાંઝ જવાનોએ નિષ્ફળ બનાવી. આ અથડામણમાં એક ઘૂસણખોર માર્યો ગયો.
પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પારથી 120 એમએમના મોર્ટાર છોડવામાં આવ્યાં છે. પૂંછમાં પાકિસ્તાનના આ ફાયરિંગમાં 10 વર્ષના એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે 5 નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત કુપવાડાના તંગધારમાં પણ 5-7 ઘૂસણખોર જોવા મળ્યાં છે. સેના અને ઘૂસણખોરોમાં અથડામણ શરૂ થઈ ગઈ છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીર આંતરરાષ્ટ્રીય સરહદના અરનિયા સેક્ટરના તમામ વિસ્તારોમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના આ ફાયરિંગના કારણે અનેક લોકોને રાહત કેમ્પોમાં દાખલ કરવા પડ્યા હતાં અને અનેક પશુધન બરબાદ થયું હતું.
No comments:
Post a Comment