મોહમ્મદ અજમલ હકે 30 વર્ષ સુધી સેનામાં રહીને દેશની સેવા કરી, પરંતુ આજે તેમણે હવે ભારતના નાગરિક હોવાના પુરાવા આપવાની જરૂરિયાત પડી ગઈ છે. અસમની પોલીસે હકને બાંગ્લાદેશી ઘૂસણખોર ગણાવીને તેમને નોટિસ જારી કરી છે કે તેઓ પોતે ભારતીય નાગરિક છે તેના પુરાવા આપે. 30 વર્ષ સુધી સેનામાં સેવા આપ્યા બાદ હવે જૂનિયર કમિશન્ડ ઓફિસરના પદ પરથી રિટાયર થયેલા હક પોતાના પરિવાર સાથે ગુવાહાટીમાં રહે છે. પરંતુ ગત મહિને તેઓને પોલીસ તરફથી જ્યારે નોટિસ મળી કે તેમણે પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા.
હકને કહેવામાં આવ્યું કે તેઓ સાબિત કરે કે તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોર નથી પરંતુ ભારતીય નાગરિક છે. આસમમાં બહારના ઘૂસણખોરો ખાસ કરીને બાંગ્લાદેશથી આવતા લોકોની ઓળખ માટે 100 ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સનું ગઠન કરવામાં આવ્યું છે. હકને મળેલી નોટિસમાં લખેલુ હતું કે જિલ્લા પોલીસે તેમના વિરુદ્ધ કેસ નોંધ્યો છે કારણ કે તેઓ 25 માર્ચ 1971 બાદ ભારતમાં કોઈ પણ દસ્તાવેજ વગર ઘૂસી આવ્યાં છે. અત્રે જણાવવાનું કે 25 માર્ચ 1971ના રોજ જ પાકિસ્તાની સેનાએ તે વખતે પૂર્વ પાકિસ્તાને કહેવાતા બાંગ્લાદેશના લોકો વિરુદ્ધ ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યુ હતું.
હકને જુલાઈની તારીખેથી જારી કરવામાં આવેલી નોટિસમાં 11 સપ્ટેમ્બરના રોજ કોર્ટ સમક્ષ રજુ થઈને પોતાની નાગરિકતા સાબિત કરવાનું કહેવાયું હતું. જો કે હકને આ નોટિસ 11 સપ્ટેમ્બર બાદ મળી હતી કારણ કે તે તેમના પૈતૃક ગામ કાલહીકશ પહોંચવાની હતી જે ગુવાહાટીથી 70 કિમી દૂર સ્થિત છે. પરંતુ હવે તેઓ 13 ઓક્ટોબરના રોજ ટ્રિબ્લુનલ સમક્ષ રજુ થશે. હકે 1986માં ટેક્નિશિયન તરીકે સેના જોઈન કરી હતી. ઉલ્લેખનીય છે કે 2012માં હકની પત્ની મુમતાઝ બેગમને પણ નોટિસ જારી કરીને નાગરિકતા સાબિત કરવાનું કહેવાયું હતું.
હકના પુત્ર હાલ પ્રતિષ્ઠિત ઈન્ડિયન મિલેટ્રી કોલેજ દહેરાદૂનમાં ભણે છે જ્યારે પુત્રી ગુવાહાટીના નારેંગી સ્થિત આર્મી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની છે. હક કહે છે કે તેમનો પરિવાર મૂળ અસમીયા છે અને તેમના પિતાનું નામ 1966ના વોટર લિસ્ટમાં પણ હતું. એટલું જ નહીં તેમના માતાનું નામ 1951ના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સમાં પણ હતું. હકે એક અખબારને કહ્યું હતું કે ટ્રિબ્યુનલમાં મને ન્યાય મળશે અને તેમાં મને કોઈ શક નથી. પરંતુ મને દુખ થાય છે જ્યારે મારી પુત્રી મને કહે છે કે જે દેશની આટલા વર્ષો સેવા કરી ત્યાં આવું વર્તન કેવી રીતે થઈ શકે?
No comments:
Post a Comment